મૃત્યુ ની શરણાઈ

મૃત્યુ એ દરેક જીવન નું અનિવાર્ય અંતિમ સત્ય છે. ઘણી વખત વિચાર આવે કે  મૃત્યુ માનવજીવન નો એક એવો પ્રસંગ છે કે જેમાં મુખ્ય વ્યક્તિ કે જેનો પ્રસંગ છે તે ખુદ જ હાજર હોતા નથી. આ એક વિચિત્ર બાબત છે. મને ઘણી વખત વિચાર આવે કે મારો આત્મા આ દેહ જ્યારે છોડી જશે ત્યારનું દ્રશ્ય કેવું હશે?!? મૃત્યુ ક્યારે આવશે એ નિશ્ચિત નથી,પણ આવશે એ તો નિશ્ચિત જ છે, અને હું મારી ઈચ્છા વ્યક્ત કરવા ત્યારે હાજર નહીં હોઉં એ પણ એટલું જ નિશ્ચિત છે.  તો અગાઉ થી જ પરિવારના સભ્યોને, મિત્રો ને  જાણ કરી ને મારા આ મહત્વ નાં પ્રસંગ વિષે મારી લાગણીઓ વ્યક્ત કરી દઉ તો ?!?

૧) હું સ્પષ્ટપણે માનું છું કે આ શરીરનાં જવાથી કોઈ જ ફરક પડવાનો નથી.કેમકે આત્મા કદી યે મરતો નથી. એટલે સૌથી પહેલી વાત તો એ કે કોઈ એ બિનજરૂરી શોક ન કરવો, આંસુ ન સારવા. કોઈ નાં આંસુ હું સહન કરી શકતી નથી.એમાયે,મારા સ્વજનો નાં તો બિલકુલ નહીં. એટલે બધાં નાં ચહેરા હસતાં હોય એ પહેલી ઈચ્છા.

૨) ગુલાબ નાં અને મોગરાના ફૂલ ની સુગંધ મને બહુ ગમે છે, તો હેરાન થયા વગર, સરળતાથી આ બે પૈકી જે ફૂલ મળે તેનાથી છેલ્લે દેહને શણગારી શકાય તો એવો પ્રયત્ન કરવો.

૩) અંતિમયાત્રા કાઢવામાં આવે તે પહેલાં ,,, ઘરમાં રોકકળ અને ગ્લાનિ ભર્યું વાતાવરણ ન હોય,પણ બહારથી પસાર થનાર વ્યક્તિ ને એમ લાગવું જોઈએ કે કોઈ ધાર્મિક કાર્યક્રમ- યજ્ઞ જેવો - યોજાયો લાગે છે. ફૂલો અને અગરબત્તી ની સુગંધ આવતી હોય, ઘરમાંથી વેદોક્ત મંત્રોચ્ચાર નો અવાજ સંભળાતો હોય, કોઈ શોગિયો કે રોતલ ચહેરો ન હોય, બલ્કે બધા લયબદ્ધ રીતે શાંતિ અને સ્વસ્થતા ધરાવતા હોય.- એવું ખુશનુમા નહીં તો યે શાંતિ પૂર્ણ વાતાવરણ હોય. સ્તુતિ, સ્તોત્ર, મંત્રોચ્ચાર જેટલા વધુ થશે એટલી શાંતિ મળશે મારા આત્માને.
જોકે ન થાય તો તેની ચિંતા ન કરશો, મેં જીવતા જ બધી ઈચ્છાઓ પૂર્ણ કરી જ લીધી છ.ે

૪) મારા જીવનની સૌથી વધુ આનંદ ની ક્ષણો એટલે સગર્ભાવસ્થા. એટલે, ઉઠમણું કે પ્રાર્થનાસભામાં પણ ઓરેન્જ સેલુ પહેરેલ, સીમંત પ્રસંગ વાળો ફોટો મૂકી શકાય તો સારું.

૫) નિકુંજ ખોવાઈ ગયા સિવાય ,,, અન્યથા મેં મારા જીવનને ભરપૂર માણ્યું છે. છલોછલ સુખ શાંતિ ભોગવ્યા છે, એટલે કોઈ ફરિયાદ નથી.માટે , કોઈ શોક ન કરે.

૬) અંતિમ ક્ષણો સમયે કોઈ નજીક હોય તો ગાયત્રી મંત્ર મને સંભળાવે.

૭) ચક્ષુદાન કરવું. બસ, અસ્તુ.

આજે કાંઈ એવો મૂડ આવી ગયો ને લખ્યું એવું નથી. ક્યારનું આ બધું લખવું જ હતું, આજે સમય કાઢ્યો છે .

ડો.જયોતિ હાથી.
રાજકોટ
૧૫/૪/૧૮

તું

તું મુજ દિલમાં વસતો,
તું મુજ હૈયામાં હસતો
તું જ શ્વાસ માં શ્વસતો
ને તું જ મારા હ્રદયે રમતો
બંધ આંખે ખ્યાલોમાં ખિલતો
ખોલું આંખો તો અલોપ થઈ જાતો

કેમ કરી ને કહું !!!?!

વિરહની આ વ્યથા કોને જઈને કહું?
દિલની આ કથા કોને જઈને કહું?!
શાંત છું બહાર થી પણ ભીતર ભારેલો અગ્નિ,(૨)
ઘૂઘવતો આ સાગર , એની દશા કિનારાને કેમ કરીને કહું ?!?
મંઝિલ મારી બસ એક પ્રેમ તારો,(૨)
તને ચાહું કેટલો, તને કેમ કરી ને કહું !!!?!
મોજા અથડાય છે એવા , ફીણ વળી જાય તેવા (૨)
છતાં અડગ તું ખડક જેવો, તને કેમ કરી કહું ?!?
તું મારો થા યા ન થા... તું જાણે ને પ્રભુ મારો (૨)
પણ જાણી લેજે છું હું તારી, તારા કાજે મુજ જન્મારો !

ડો.જયોતિ હાથી
૨૭/૧૨/૨૦૧૭

એવી તે કેવી હું ફસાણી

વાસંતી વાયરાની હવા મને લાગી,
ઓય મા રે, હું તો કેવી ફસાણી !!
એના રે નામની ધૂણી મેં ધખાવી
ઓય મા રે હું તો એવી ફસાણી

ચાહત નાં દરિયા માં ડૂબકી લગાવી
હું તો સાંગોપાંગ એમાં તણાઈ
વિરહનાં મોજાં મને તાણી ગયા
માં એવી તે કેવી હું ફસાણી

નયનો નાં નેહમાં એનાં સમાણી
ને પ્રેમ પ્રવાહ માં ભીંજાણી
કિનારે પહોંચવા સાવ અજાણી
માં એવી તે કેવી હું ફસાણી

ડો.જયોતિ હાથી
તા.૨૭/૧૨/૨૦૧૭

એ તમારો પ્રેમ છે....


સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા,
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય,
એ પ્રેમ 

મંદિરમાં દર્શન કરતી વખતે,
કોઈ પાસે ઊભુ છે તેવો આભાસ થાય,
એ પ્રેમ 

આખા દિવસનો થાક,
જેની સાથે બેસવાની કલ્પના માત્રથી દૂર થઈ જાય,
એ પ્રેમ 

માથું કોઈના ખોળામાં મૂકીને,
લાગે કે મન હળવું થઈ ગયું,
એ પ્રેમ 

લાખ પ્રયત્નો છતાં,
જેને નફરત ના કરી શકો,ભૂલી ના શકો,
એ પ્રેમ 

આ વાંચતી વખતે,
જેનો ચહેરો આપની સામે તરવરે,
એ તમારો પ્રેમ છે.

Jyotirling

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्
उज्जयिन्यां महाकालं ओम्कारममलेश्वरम् ॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥
वारणस्यां तु विश्र्वेशं त्र्यम्बकं गौतमीतटे
हिमालये तु केदारं घृश्नेशं च शिवालये ॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥

ધુમ્મસ અને વાલમ

હરિયાળી આ ગિરિકંદરાઓ પર ધુમ્મસ નિહાળી આવી વાલમ મને તારી યાદ,
આમ તો આ પ્રક્રૂતિની પાંગતમાં હરહંમેશ આવે મને તારી યાદ..

ફુલોમાં તું જ મલકતો ભાસે,ઝરણામાં તું ભીંજવતો ભાસે,
પંખીઓની મીથી ગુંજમાં તુજ સાદ,વાદળરૂપે પણ તું શ્વસતો ભાસે,
હરિયાળી,પહાડી,ફુલો ને ઝરણાઓ-આમ તો સઘળુ આપે મને તારી યાદ
પરંતુ ધુમ્મસ,ઝાકળ ને વાદળા-એ તો તુજ રૂપ જાણે સાક્ષાત !


ધુમ્મસ આવે પાસ અને થાયે આભાસ,જાણે વાલમ ખુદ આવે છે મુજ પાસ,
ક્ષણભર થંભી જાયે શ્વાસ,જાણે હમણા જ સ્પર્શીને લેશે બાથ,
નિહાળુ આસપાસ ચોપાસ,જાણે હમણા મળશે મારો નાથ...
પરંતુ,ધુમ્મસ અને વાલમ -જાણે એકરૂપ સાક્ષાત !


ક્ષણિક થાયે જાણે અહીં જ છે તુ,વસતો મારી આસપાસ ચોપાસ,
પણ...પળભરમાં ક્યાં ઉડી જાયે....!!
ક્ષણિક લાગે હમણા જ લેશે તુજ આગોશમાં,
પણ...ક્ષણભરમાં તું અદ્રશ્ય થાયે..!!
આમ તો હર શ્વાસમાં મારા ધુમ્મસરૂપે તું જ શ્વસતો,
પણ...સ્પર્શવા જાઉં તો છુટી જાયે..!!


અરે પણ ...આ શું..??? કોઈ મને કહેશો આ ઝરણું ક્યાંથી ફુટ્યું??
જાણે વહેતી પ્રિયતમની લાગણીઓ ધોધમાર...!!
નક્કી-ધુમ્મસનું જ આ પરિણામ...
મારા સાજનની ભીની સંવેદના અપાર....!!
સઘળી ભ્રમણાઓ વાસ્તવ બનતી નિહાળું આજે...
જ્યારે તુજને ધુમ્મસમાંથી ઝરણારૂપે ઝરમર ઝરતો..મુજને ભીંજવતો...ભાળું આજે...!!!!



ડો.જ્યોતિ હાથી

૭/૬/૨૦૧૦

માણસ છું હું આખરે……- (ડો.દર્શિકા શાહ)

હસતા હસતા છલકાઈ જાય છે આંખ
રડતા રડતા છલકાઈ જાય છે આંખ
ખુશીના આંસુ,દુખના આંસુ,
મોતી બની ખરી જાય છે આંસુ,
કયારેક હસુ, કયારેક રડું,
માણસ છું હું આખરે……


લાગણીઓ કયારેક લહેરાઈ લહેરાઈ જાય,
પ્રેમના ઘોડાપુર ઉમટે કયારેક,
કયારેક જડ બની જાય લાગણીઓ,
પ્રેમનો જાણે દુકાળ પડી જાય,
કયારેક પ઼ેમ અપાર, કયારેક ક્રોધ અપાર,
માણસ છું હું આખરે……


કયારેક સમેટાઈ જાઉં, કયારેક વિખરાઈ જાઉં,
કયારેક ખોવાઈ જાઉં, કયારેક લુંટાઈ જાઉં,
દુનિયાની વિટંબણાઓમાં અટવાઈ જાઉં,
કયારેક મુક્ત શ્ર્વસુ, કયારેક રુંધાઈ જાઉં,

માણસ છું હું આખરે….



- ડો.દર્શિકા શાહ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

By કવિવર રવીન્દ્રનાથ ઠાકુર....

હે પ્રભુ ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે ,
હાસ્ય અને આનંદ કેમ ના ગુમાવવા તે મને શીખવ .
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે એવી હોય ત્યારે ,
શાંતિ કેમ રાખવી તે મને શીખવ .
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે ,
ખંત થી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ .
કઠોર ટીકા અને નિંદા નો વરસાદ વરસે ત્યારે ,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.
પ્રલોભનો , પ્રશંસા , ખુશામત ની વચ્ચે ,
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ .
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધા ડગુમગુ થઇ જાય ,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,
ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા

કેમ કરવી તે મને શીખવ.